Ticker

6/recent/ticker-posts

વિશ્વ ચકલી દિવસ | World Sparrow Day | 20મી માર્ચ દિન વિશેષ

વિશ્વ ચકલી દિવસ | World Sparrow Day | 20મી માર્ચ દિન વિશેષ


તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું." - કવિ રમેશ પારેખ

આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ ચકલી દિવસ છે. એક સમયે ઘર આંગણે કલરવ કરતી ચકલીનો આજે ચી.. ચી.. અવાજ સાંભળવા મળતો નથી. તેના સંરક્ષણ હેતું વર્ષ 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી છે.


દુનિયાભરમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની (World Sparrow Day) ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2010માં પહેલીવાર વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાંસની ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવી છે.

ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડીયશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.

આજે ૨૦મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે.

એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે !


આપણે જરા વિચારીએ, આજથી 10-12 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? કદાચ આપણો જવાબ ના હશે. આ ટચૂકડી ચકલીઓ આપણા પર્યાવરણ અને ‘ઈકોસીસ્ટમ’નો ખૂબ અગત્યનો ભાગ છે. તેમને લુપ્ત થવા દેવી એ આપણા પર્યાવરણને પોસાય તેમ નથી.

ઝીણાં અવાજે ચીં….ચીં… કરી પોતાને બચાવી લેવાની અપીલ કરતીચકલીઓનાં અસ્તિત્વને મરણતોલ ફટકો આપવા માટે જો કોઈએ આરોપીનાં પીંજરામાં ઉભા રહેવું પડે તો તે આરોપી તરીકે આપણે માનવો પોતે જ છીએ.

ચકલીઓ ઘટવાનું કારણ:
ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના કારણો ચકલીઓની ઘટતી જતી સાંખ્યામાં જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો-વિડીયો તરંગો (Waves)ના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ ચકલીના ઘટાડામાં કોઈ કસર છોડી નથી.

ચકલીઓને બચાવવા આટલું કરીએ:
[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા ફૂલ-છોડ રોપીએ.
[5] બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.